Shri Siddh Gayatri Shakti Pith Charitable Trust

Shri Siddh Gayatri
Shakti Pith

ધાર્મિક કથા: ભાગ 51

દેવપોઢી અગિયારસ અને ચાતુર્માસનો પ્રારંભ
🕉️============🕉️
અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ તિથિ હરિશયની કે ‘પદ્મનાભ’ નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે. ભગવાન પોઢી જવાના કારણે આજથી ચાર માસ સુધી શુભ માંગલિક કાર્યો પણ વર્જિત ગણાય છે. વર્ષના ચાર મહિના ભગવાન વિષ્ણુ બલિરાજાને વામન અવતારમાં આપેલા વરદાન પ્રમાણે પાતાળલોકમાં જાય છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ સમય ભગવાનની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ભગવાનને ધૂપ-દીપ-નૈવેદ્ય વગેરે અર્પણ કરાય છે. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે. ચાતુર્માસ વિશે વૈજ્ઞાનિક તારણ એવું પણ માનવામાં આવે છે કે, આ સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે તેથી જઠરાગ્નિ મંદ પડે છે માટે ઓછો ખોરાક લેવો જોઇએ, જેનાથી શરીર તંદુરસ્ત રહે છે. તો આ સમયગાળા દરમિયાન પાણીજન્ય રોગ પણ વધુ થતાં હોવાથી ઓછો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. વરસાદના કારણે જીવજંતુઓની ઉત્પત્તિથી પણ રોગ થાય છે. ભક્તિયુક્ત અને સ્વચ્છ વાતાવરણમાં રહેવાથી રોગો અને જીવહિંસાથી બચી શકાય છે. શાસ્ત્રો અનુસાર ચાતુર્માસના આ સમયગાળામાં દેવકાર્ય સૌથી વધારે થાય છે. આ સમયમાં માંગલીક કાર્યો જેવાકે લગ્ન કે સગાઈ વગેરે કાર્યો થઈ શકતા નથી પરંતુ આ સમયગાળા દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવત કથા, શ્રી રામાયણ અને શ્રીમદ્ ભગવદગીતાના પાઠ, હવન અને યજ્ઞ જેવા શુભ કાર્યો થઈ શકે છે. તો સાથે જ ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન ગાયત્રી મંત્રના પુરશ્ચરણ અને વ્રત જેવા કાર્યો શ્રાવણ માસમાં પૂરા કરાય છે. આ સમયગાળામાં વરસાદને કારણે ધરતીનું રૂપ પલટાઈ જાય છે અને ઘનઘોર વરસાદ વરસવાથી વધારે પ્રમાણમાં યાતાયાત રહેતી નથી તેથી ચાતુર્માસ દરમિયાન એક સ્થાન પર રહીને વ્રત કરવાની પ્રથા છે. એક સ્થાન પર બેસીને ગ્રંથવાચન, મંત્રજપ, નામસ્મરણ, અધ્યયન, સાધના કરવી. આ રીતે બધી ઉપાસનાઓનું મહત્ત્વ છે. ચાર મહિના બાદ જ્યારે દેવઉઠી એકાદશી આવે ત્યારે ચાતુર્માસ પૂરા થશે અને માંગલિક પ્રસંગો માટે મુહૂર્ત જોવા મળશે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)